બાપ નંબરી અને બેટા દશ નંબરી નામની કાદરખાન અને શકિત કપુરની ફિલ્મને પણ ટક્કર મારે તેમ દાદા દસ નંબરી,બાપ બારા નંબરી,બેટા સબસે બડા નંબરીની જેમ દાદા,પુત્ર અને પૌત્રની ગેંગે ગુજરાત,મહારાષ્ટ્ર, અને રાજસ્થાનમાં અનેક વેપારીઓની સાથે ઠગાઇ કરી હોવાની ઘટના સામે આવી છે. ત્રણ પેઢીથી ઠગાઇ કરતી આવતી આ ગેંગે અમદાવાદના પણ અનેક વેપારીઓ સાથે ઠગાઇ કરી હોવાની ઘટના સામે આવી છે.
પંકજ અને નિલમની પુછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ
દાદા મહાદેવ ખત્રી,પુત્ર પંકજ ખત્રી અને પૌત્ર ઉતમ ખત્રીની આ ગેંગે અનેક વેપારીઓને રોડ પર લાવી દીધા હોવાની ચોંકવનારી વિગતો સામે આવી છે.ગુજરાત સીઆઇડી ક્રાંઇમે આ કેસમાં પંકજ ખત્રી અને તેની પાર્ટનર નિલમને ઝડપી પાડયા છે.જયારે ઉતમ ખત્રી પોલીસ પકડથી હજી બહાર છે. પંકજ અને નિલમની પુછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થવા પામ્યા છે.જેમાં લોકોને ઠગવાનો આ ગોંરખધંધો તેમની ત્રણ પેઢીથી ચાલતો હોવાનું બહાર આવ્યું છે.
સીઆઇડી ક્રાઇમમાં તબક્કાવાર ત્રણ ફરિયાદ કરવામાં આવી હતી
સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે અમદાવાદના સફલ-૩મા આવેલ દક્ષ ટ્રેડર્સના પ્રોપરાઇટ જીતેન્દ્ર ઉર્ફે હંશુ હસરાજાની છે અને તેઓ કાચા કપડાંનો હોલસેલનો વેપાર કરે છે. મે, જૂન અને જુલાઇ 2023માં પંકજ ખત્રી અને નિલમબહેને દક્ષ ટ્રેડર્સમાંથી 55 લાખનો માલ ખરીદ્યો હતો, પરંતુ પૈસા આપવામાં ગલ્લાંતલ્લાં કર્યા હતા. આ મામલે તપાસ કરતા પંકજ તેમનો પુત્ર ઉત્તમ અને નિલમે આ રીતે અન્ય લોકોને ઠગ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.
ન્યુ કલોથ માર્કેટ અને સફલ-1ના અન્ય વેપારીઓ પણ ઠગાયા
આ મામલે સીઆઇડી ક્રાઇમમાં તબક્કાવાર ત્રણ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પોલીસે પંકજ અને નિલમને ઝડપી લીધા છે. આ ઉપરાંત અમદાવાદમાં ન્યુ કલોથ માર્કેટ અને સફલ-1ના અન્ય વેપારીઓ માર્ક ટ્રેડર્સના કૈલાસ નવલાણી સાથે 96 લાખની, કિશન ટ્રેડર્સના ધર્મેન્દ્ર નવલાણી સાથે 80 લાખની છેતરપીંડી કરી હોવાનું પણ સામે આવ્યું છે.
લોકોને ઠગવાનો આ ગોંરખધંધો તેમની ત્રણ પેઢીથી ચાલતો આવે છે
પોલીસે પંકજ અને નિલમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પંકજ ખત્રી,તેના પિતા મહાદેવ ખત્રી અને પુત્ર ઉતમ ખત્રી પણ આ ઠગાઇમાં સામેલ છે..એટલેકે લોકોને ઠગવાનો આ ગોંરખધંધો તેમની ત્રણ પેઢીથી ચાલતો આવે છે..હાલમાં સીઆઇડી ક્રાંઇમે પંકજ અને નિલમની ધરપકડ કરી લીધી છે.. બંન્નની પુછપરછમાં આ ગેંગ કંઇ રીતે વેપારીઓને આસાનીથી ઠગતી હતી તે ખાસ એમઓ પણ જાણવા મળી હતી.
ભળતુ નામ રાખી વેપાર ધંધો શરૂ કરતા હતા
આ ગેંગ કોઇ પણ રાજયમાં કાપડ બજારમાં જે નામ ખુબ જ ફેમસ હોય તે જ નામથી ભળતુ નામ રાખી વેપાર ધંધો શરૂ કરતા હતા. જેથી કરીને કોઇ વેપારી તે નામની કંપની વિશે કોઇ કંપનીને પુછે કે તે વિશ્વાસ પાત્ર છે કે નહીં જેથી કોઇ પણ હા પાડી દેતું હતું.બાદમાં ભળતી કંપનીનું નામ રાખી વેપારીઓ સાથે કરોડોની ઠગાઇ કરવામાં આવતી હતી. ત્રણ પેઢીથી ચાલતી આવતી આ ઠગાઇની ગેંગે અનેક રાજયોમાં લોકોને કરોડોનો ચુનો ચોપડયો છે.