- પાટીલ કેમ છાતી ઠોકીને કહે છે કે 5 લાખ લીડથી જીતીશું, અશક્ય નથી, આ છે ગણિત
- 5 લાખની લીડથી જીતીશું, આપણે કઈ ફાંકા મારવાવાળા લોકો નથી આપણે કરી બતાવીશું
- અપક્ષ ધારાસભ્યોને ખબર છે ભાજપ સાથે નહીં રહીએ તો આપણે ઘરે આવી જઈશું
ભાજપના પ્રદેશ પ્રમુખ લોકસભાની દરેક બેઠક પર 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ સેટ કરીને બેસ્યા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સતત ગુજરાતની 26 બેઠકો પર 5 લાખ લીડથી જીતવાની વાત કરી રહ્યાં છે. આ માટે તેઓ દરેક બેઠક પર જઈને રોજ પ્રચાર કરી રહ્યાં છે. પાટીલની આ ટકોર હવે કાર્યકર્તાઓ માટે ધમકી જેવી બની રહે છે. 5 લાખની લીડનો ટાર્ગેટ લાવવાનો ભાર મજૂરિયા કાર્યકર્તાઓ પર મૂકાયો છે. પાટીલ દરેક સભામાં કાર્યકર્તાઓને 5 લાખની લીડ લાવવા કહી રહ્યાં છે. ત્યારે પાટીલની આ ટકોર, ચીમકી કે ધમકી પાથળ એક ચોક્કસ ગણિત છે. પાટીલ અમસ્થા જ કાર્યકર્તાઓને આ ટાસ્ક નથી આપ્યો. ગુજરાતની દરેક 26 બેઠક પર ભાજપ ધારે તો 5 લાખના લીડથી જીતી શકે છે. બનાસકાંઠાના ડીસામાં આયોજિત બુથ સંમેલનમાં પાટીલે સમજાવ્યુ હતું કે, 5 લાખ લીડથી જીતવું કેમ શક્ય છે.
બુથના પ્રમુખ કહે તો જ મનાય
બનાસકાંઠાના ડીસામાં બુથ પ્રમુખ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કચકચાવીને સ્પીચ આપી હતી. તેમણે કહ્યું હતું કે, બહુ બોલવા માટે કે ભાષણ કરવા માટે આવ્યો નથી. અહીંયા કહ્યું કે 5 લાખ મતોથી જીતીએ છીએ પણ એમ માની ન લેવાય બુથના પ્રમુખ કહે તો જ મનાય. વિધાનસભામાં 182 સીટ જીતવાની વાત કરી હતી તમને કોઈને વિશ્વાસ ન હતો. મને પણ મારામાં વિશ્વાસ ન હતો, પણ અહીં બેઠેલા બુથ પ્રમુખો ઉપર વિશ્વાસ હતો અને આપણે પરિણામ લાવ્યા છીએ. મોદી સાહેબના વિશ્વાસને લોકોએ સાર્થક કર્યો. એમના અનુભવ હતા કે કઈ સીટ ઉપર કોણ જીતશે એના પ્રમાણે એમને ઉમેદવારોની સિલેક્શન કર્યું અને પરિણામ મળ્યું છે.
આપણે કંઈ ફાંકા મારવાવાળા લોકો નથી
5 લાખ લીડની વાત કરતા પાટીલે કહ્યું કે, 5 લાખની લીડથી જીતીશું તો આપણે કંઈ ફાંકા મારવાવાળા લોકો નથી, આપણે કરી બતાવીશું. ગુજરાતના વિધાનસભા ઇલેક્શનમાં આપ પાર્ટીના 40 લાખ, કોંગ્રેસને 80 લાખ, તો ભાજપને 1 કરોડ 80 લાખ મત મળ્યા હતા. 3 કરોડ 5 લાખ માટે આપણે 26 સીટ હારી ગયા. ગુજરાતના અપક્ષ ધારાસભ્યોને ખબર છે ભાજપ સાથે નહિ રહીએ તો આપણે ઘરે આવી જઈશું. જિગ્નેશ મેવાણીની સીટ આપણે 4 હજાર માટે હાર્યા હતા. ગુજરાતમાં સૌથી વધારે સીટ બનાસકાંઠામાં હાર્યા, આ તમારા માટે કલંક છે તો એને ધોઈ નાંખજો. 4 સીટો બનાસકાંઠામાં થોડા જ મત માટે ગઈ છે તો એવી ભૂલ બીજી વખત ન કરતા.
આ છે મત મેળવવાનું ભાજપનું ગણિત
તેમણે કાર્યકરોને મતોનું ગણિત સમજાવતા કહ્યું કે, સિસ્ટમ મુજબ તમે કામ કરો. બુથના પ્રમુખ નીચે 14 લોકોની સમિતિ છે. પેજ કમિટીના સભ્યો બુથ ઉપર 150 લોકો છે. 2 કરોડ 22 લાખ મત તો સીધા જ આવવાના છે. ગયા સમયે ઓછા મત મળ્યા. 2 કરોડ અને 22 લાખ મત મળે તો કોંગ્રેસ ઘરે જ જાય.
તમારા કામ જે અટકેલા હશે એ ચૂંટણી પછી પુરા કરીશું
પેજ કમિટીના સભ્યો ઘરે ઘરે જઈને વડીલોને વંદન કરીને દિવ્યાંગ અને શતાયુ મતદાતાઓને મતદાન કરાવે. ઝંડી આપી વડીલ વંદના કરીને દિવ્યાંગનો પણ મતદાન કરાવો. તમે ફિલ્ડમાં જઈને લોકોને મળો કોઈ ધારાસભ્ય, તાલુકા પ્રમુખોની કે નેતાઓની ફરિયાદ કરે તો લખી લેજો, આપણે તેનું નામ ગુપ્ત રાખીશું અને તેના ઉપર યોગ્ય કામ કરીશું. તમે નામ લખી રાખજો આપણે તેના ઉપર યોગ્ય કામ કરીશું. તમે તમારું કામ પ્રમુખને લખીને આપજો તમારા કામ જે અટકેલા હશે એ ચૂંટણી પછી પુરા કરીશું. મોદી સાહેબ આટલું કામ કરે છે, ગુજરાતના લોકોએ ગુજરાતના મુખ્યમંત્રીમાંથી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને બનાવી દીધા. એ ગુજરાતના કાર્યકર્તાઓ અને લોકોની તાકાત છે.
સામેના બેન કેવા છે એ તમને ખબર છે
પાટીલે કહ્યુ કે, ઈન્દિરા ગાંધીએ ‘ગરીબી હટાવવા’નું સૂત્ર આપ્યું હતું પણ ગરીબી હતી નહિ, પણ મોદી સાહેબ દેશના 25 કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર લાવ્યા છે. ગુજરાતમાં ત્રીજી વાર 26 સીટો લાવીને હેટ્રીક કરે અને મોદી સાહેબ ત્રીજીવાર પ્રધાનમંત્રી બનવાની હેટ્રીક કરે. જે આપણને વારંવાર નડે છે એની ડિપોઝીટ ડુલ કરી દો. મેં બતાવેલી સિસ્ટમથી કામ કરો તો 90 ટકા મતદાન થશે અને એ ભાજપની તરફેણમાં થશે. તો બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે, આપણા ઉમેદવાર બેન છે અને સામેના બેન કેવા છે એ તમને ખબર છે.