16 દેશોનો સમાવેશ કરતી આ યાત્રા આ મહિનાના અંતમાં શરૂ થશે
અમદાવાદઃ ઠાકોર પરિવારની ત્રણ પેઢી 1950ની બ્રિટીશ વિન્ટેજ કાર લાલ પરીમાં પ્રવાસ કરીને ભારતથી લંડન સુધીનો 12,000 કી.મી.નો પ્રવાસ કરીને 16 દેશોને આવરી લેશે અને પોતાના મૂળ દેશમાં પરત ફરશે.
બે વર્ષથી વધુ સમયથી, આ અવિશ્વસનીય પ્રવાસનું આયોજન અને તૈયારી કરવામાં આવી હતી, જેમાં કાર પર સઘન સમારકામ અને 73 વર્ષીય વિન્ટેજ સુંદરીને સફર માટે તૈયાર કરવા માટે વિશ્વભરમાંથી દુર્લભ સ્પેરપાર્ટ્સ મેળવવાનો સમાવેશ થાય છે.
“હું નાનો હતો ત્યારે ‘લાલ પરી’ નામ મારી માતાએ રાત્રે કહેલી વાર્તાઓમાંથી લેવામાં આવ્યું છે.
આ નોંધપાત્ર પ્રવાસનો ઉદ્દેશ વિવિધ દેશની સરહદો પાર કરીને એ કથાઓને પુનઃ તાજી કરવાનો છે અને દરેક વયના લોકોને પ્રેરણા આપવાનો છે. આ કાર ની ખૂબી એ છે કે જે જુવે છે એ લોકો માં સ્મિત અને અચરજ ઊભું કરે છે. અમે રોમાંચિત છીએ અને અમારા આનંદ અને અનુભવો વિશ્વ સાથે શેર કરવા માટે આતુર છીએ,” ટીમનું નેતૃત્વ કરી રહેલા 50 વર્ષીય દમન ઠાકોરે જણાવ્યું હતું.
આ અનોખા પ્રવાસમાં તેમના પિતા દેવલ ઠાકોર અને તેમની દિકરી દેવાંશી ઠાકોર જોડાયેલી છે. પ્રસિધ્ધ ડોક્યુમેન્ટરી, આર્કિટેક્ચરલ ફોટોગ્રાફર અને ફિલ્મ નિર્માતા વિનય પંજવાણી તથા વિન્ટેજ કાર નિષ્ણાંત મુકેશ બારરીયા પણ આ પ્રવાસમાં જોડાઈ રહ્યા છે.
અનન્ય પ્રયાસના પડકારોને ધ્યાનમાં લેતા, અભિયાનને મેડ ઈન ઈન્ડિયા કેમ્પર વાન સમર્થ આપશે, જેને ‘લાલ પરીકી સહેલી’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રવાસના અનોખા પડકારોને ધ્યાનમાં લઈને આ ટીમ તેમના રોકાણ દરમ્યાન વિજળીની જરૂરિયાત માટે સોલાર પેનલ્સનો ઉપયોગ કરશે અને એ રીતે સમગ્ર પ્રવાસ દરમ્યાન ઈકોફ્રેન્ડલી પ્રણાલિને પ્રોત્સાહન આપશે.
આ પ્રવાસની શરૂઆત અમદાવાદથી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી શરૂ કરવામાં આવશે. આ પ્રવાસમાં કેટલાક દેશોનો માર્ગ પ્રવાસ આવરી લેવાશે, જેમાં યુએઈ, ઈરાન, અઝેરબીજાન, જ્યોર્જિયા, તુર્કી, બલ્ગેરિયા, નોર્થ મેસેડોનિયા, આલ્બેનિયા, મોન્ટેનેગ્રો , ક્રોએશિયા, ઈટલી, સ્વિત્ઝર્લેન્ડ, લક્ઝમબર્ગ, જર્મની, બેલ્જીયમ અને ફ્રાન્સનો સમાવેશ થશે. પ્રવાસનું સમાપન યુનાઈટેડ કિંગ્ડમ ખાતે થશે. પ્રવાસ દરમ્યાન આ ટીમ તેમના માર્ગમાં આવતી વિન્ટેજ કાર ક્લબની મુલાકાત પણ લેશે.
આ કાર ઉપર વિશ્વ પ્રસિધ્ધ જ્વેલર સી. ક્રિશ્ના ચેટ્ટીએ એક્સક્લુઝીવ સિલ્વર હુડ ઓર્નામેન્ટથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ દર્શાવી ડિઝાઈનીંગ કર્યું છે જે લાલ પરીની શોભા સમાન બની રહેશે. આ ઓર્નામેન્ટલ એડીશન દુનિયાને ‘વન વર્લ્ડ, વન ફેમિલી’ નો સંદેશ આપશે, જે ગુજરાત અને ભારતના લોકો વતી યુકેના લોકોને ભેટ તરીકે આપવામાં આવશે.
અભિયાનની શરૂઆત થાય તે પહેલાં લાલ પરીને સોશ્યલ મિડીયા ઉપર અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, જેમાં ફેસબુક ઉપર 62 લાખ તથા યુટ્યુબ પર 12 લાખ વ્યૂ પ્રાપ્ત થયા છે.