સામાન્ય લોકો દારૂના નામે લઠ્ઠો પીને મરતા હોય તો ભલે મરે, પણ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ગિફ્ટ સિટીમાં વેપારીઓને એક નંબરનો દારૂ પીવડાવશે !
ગુજરાતના ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને દારૂના સેવન માટે મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. ગઈકાલે સાંજે ગુજરાત સરકારે લીધેલા આ નિર્ણયને પગલે રાજ્યભરમાં અનેક ચર્ચાઓ ઉઠી છે. ગીફ્ટ સીટીમાં ધંધાર્થે આવતા બિઝનેસમેનો અને વિદેશીઓને સરકારે દારૂ પીવાની છૂટ આપી છે.. બીજી તરફ રાજ્યમાં અવારનવાર દારૂના નામે કેમિકલનો લઠ્ઠો પીને અનેક ગુજરાતીઓ મોતના મુખમાં ધકેલાઈ જાય છે એ પણ આપણા ગુજરાતની કડવી વાસ્તવિકતા છે. ભુપેન્દ્ર પટેલની સરકાર ભલે વેપારીઓને અને વિદેશીઓને દારૂ પીવડાવી ગુજરાતનો વિકાસ કરે પણ ગુજરાતનો સામાન્ય નાગરિક છે તે દારૂના નામે કેમિકલ ના પીવે તેનું ધ્યાન રાખવું પણ ભુપેન્દ્ર પટેલ સરકારની એટલી જ જવાબદારી છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે તમે તમારા અને તમારા પરિવારની આર્થિક પ્રગતિ માટે શું તમારા ઘરના કોઈ એક ખૂણામાં દારૂ પીનારાને દારૂ પીવા માટે જગ્યા આપશો?
ગરીબ અને લાચાર ગુજરાતીઓની ચિંતા હોવાના ઢોલ વગાડતી ભુપેન્દ્ર પટેલની સરકારનું મન કેટલું મેલું છે
સામાન્ય નાગરિક માટે સરકાર એટલે માઈ બાપ હોય છે પરંતુ સરકારના આ નિર્ણયથી ગરીબ અને લાચાર ગુજરાતીઓની ચિંતા હોવાના ઢોલ વગાડતી ભુપેન્દ્ર પટેલની સરકારનું મન કેટલું મેલું છે એની ખબર ગિફ્ટ સિટીના નિર્ણયથી પડી જાય છે. ભુપેન્દ્ર પટેલની સરકારને જો ખરેખરમાં સામાન્ય ગુજરાતીની સહેજ પણ ચિંતા હોય તો ગુજરાત ભરમાં દારૂના નામે વેચાતા કેમિકલને તાત્કાલિક ધોરણે બંધ કરાવવું જોઈએ.
ગુજરાતમાં રહેતો અને સિનિયર કેજી કે જુનિયર કેજીમાં ભણતો બાળક પણ સારી રીતે જાણે છે
રાજ્યમાં દેશી કે વિદેશી દારૂ પિતા વ્યસનીયોની તરફદારી કદાપી નેશન ફર્સ્ટ ન્યુઝ નથી કરી રહ્યું.. પરંતુ કહેવાનો મુદ્દો અહીં એ છે કે સરકાર વિકાસના નામે વેપારીઓ અને વિદેશીઓને દારૂ પીવાની ખુલ્લી છૂટ આપી રહી છે જ્યારે બીજી તરફ રાજ્યભરમાં સામાન્ય લોકો નશો કરવા માટે દારૂના નામે કેમિકલ પી રહ્યા છે. ગુજરાત સરકારના દારૂબંધીના દાવા માત્ર કાગળ પર છે એ વાત હવે કોઈ નવી નથી અને આ વાત ગુજરાતમાં રહેતો અને સિનિયર
કેજી કે જુનિયર કેજીમાં ભણતો બાળક પણ સારી રીતે જાણે છે.
લઠ્ઠા કાંડને કારણે સામાન્ય ગુજરાતીઓના મોતનો આંકડો કદાચ કોરોના જેવી ગંભીર મહામારીથી પણ ઊંચો છે
ગુજરાતમાં અવારનવાર સર્જાતા લઠ્ઠાકાંડમાં અનેક ગુજરાતીઓ જીવ ખોઈ બેઠા છે અને હજારો પરિવારો રોડ પર આવી ગયા છે. તાજેતરમાં જ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારબાદ સીરપકાંડમાં પણ સાતથી પણ વધુ લોકોના મોત થયા હતા.. લઠ્ઠા કાંડને કારણે સામાન્ય ગુજરાતીઓના મોતનો આંકડો કદાચ કોરોના જેવી ગંભીર મહામારીથી પણ ઊંચો છે. પરંતુ કોરોના મહામારી સામે જેટલી સતર્ક ગુજરાત સરકાર હતી અને છે તેટલી સતર્ક દારૂબંધીના મુદ્દે કેમ નથી તે આપ સૌ કોઈ જાણો છો.
ગુજરાતમાં દારૂબંધી છે ત્યારથી અનેક સરકારો આવી અને જતી રહી
ગુજરાત સરકાર જો ચાહે તો રાજ્યભરમાં શહેરો જ નહીં પરંતુ છેવાડાના ગામોમાં ચાલતા દારૂના અડ્ડાઓ તાત્કાલિક ધોરણે બંધ કરાવી શકે છે.. ગુજરાતમાં દારૂબંધી છે ત્યારથી અનેક સરકારો આવી અને જતી રહી.. પરંતુ કોઈ પણ સરકારની ઈચ્છા શક્તિ વિના કોઈ પણ કામ થઈ શકતું નથી.. વાત અહી માત્ર ભુપેન્દ્ર પટેલ સરકારની પણ નથી ગુજરાતમાં જ્યારથી દારૂબંધી અમલમાં મુકાઈ હતી ત્યારથી અનેક સરકારો આવીને જતી રહી છે પરંતુ મુદ્દાની વાત એ છે કે એક પણ સરકારે ગુજરાતમાં કહેવાતા દારૂબંધી માટે એક પણ વખત સાચા દિલથી ઈચ્છા શક્તિ બતાવી નથી અને તેના કારણે જ રાજ્યમાં સમ્યાન્તરે અનેક ગુજરાતીઓ લઠ્ઠાકાંડનો ભોગ બને છે જ્યારે બીજી તરફ દારૂબંધીના નામે અનેક નેતા આઈપીએસ, અધિકારીઓ,અને બુટલેગરોના ઘર ભરાય છે..