ટ્રાફિક પોલીસ શહેરભરમાં નવા નિયમો મુજબ વાહનચાલકો પાસેથી તગડા દંડ વસૂલ કરી રહી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને દંડ આપવા માટે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી રહ્યા છે ત્યારે પોલીસ કર્મચારીઓ જ જાહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે. કારમાં બ્લેક ફિલ્મ લગાવવી ગેરકાયદે છે. જેના માટે ટ્રાફિક પોલીસ દંડ વસૂલ કરે છે પરંતુ મોટાભાગના પોલીસ કર્મચારીઓની કારમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય છે અને નંબર પ્લેટ પણ હોતી નથી તેમ છતાંય તેમની વિરુદ્ધમાં કોઇપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે પોલીસ કર્મીઓ માટે સતત બીજા દિવસે ડીજીપીએ પરિપત્ર જાહેર કર્યો છે. ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરવા સૂચના આપવામાં આવી છે. ટુ વ્હીલર પર ત્રણ સવારીમાં જતા પકડાયતો થશે દંડ અને વાહન પર પોલીસ લખેલું હશે તો પણ થશે દંડ..
પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે કરેલા પરિપત્રમાં પોલીસ કર્મચારીઓની કારમાં બ્લેક ફિલ્મ હશે તો ઉચ્ચ અધિકારી કાર્યવાહી કરશે, આ સિવાય પોલીસ કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ તેમજ સીટ બેલ્ટ બાંધવાના પણ આદેશ આપી દેવાયા છે. રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તમામ શહેર, જિલ્લા તેમજ વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યારે કોઈ પોલીસનો કર્મચારી યુનિફોર્મ પહેરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની વિપરીત અસર લોકો ઉપર પડતી હોય છે, જેના કારણે પોલીસની છબી ખરડાઇ છે. પોલીસની ટ્રાફિકના નિયમો તોડવાની નીતિના ઘેરા પ્રત્યાઘાત પડતા હોય છે અને વાહનચલાકો પણ નિયમોની ઐસીતૈસી કરતા હોય છે.
પોલીસ કર્મચારીઓ પોતાની કારમાં સરેઆમ બ્લેક ફિલ્મ લગાવીને ફરી રહ્યા છે, તો અમુક પોલીસ કર્મચારીઓની કાર તો ઘણા સમય જૂની હોવા છતાં પણ નંબર પ્લેટ લગાવેલી નથી. ત્યારે કોઇ પણ પોલીસ કર્મચારીઓ તેમની કારમાં પોલીસ લખેલું બોર્ડ મૂકે તે પણ ગેરકાયદે છે. લોકોને નિયમનું પાલન કરાવતાં પહેલાં પોલીસ પોતે નિયમોનું પાલન કરે તેવું ગુજરાતના DGP વિકાસ સહાય માની રહ્યા છે.
અમદાવાદમાં આવેલા તમામ પોલીસ સ્ટેશનો તેમજ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એટીએસ જેવી અલગ અલગ સુરક્ષા એજન્સીઓમાં ફરજ બજાવતા મોટાભાગના પોલીસ કર્મચારીઓ પોતાની કારમાં બ્લેક ફિલ્મ લગાવી રાખી છે.