ચરોતર(Charotar) માટે કહેવાય છે કે દુનિયાના કોઇપણ ખૂણે જાવ તો અહીંનો નાગરિક તમને જોવા મળે જ. આફ્રિકા અને અમેરિકા(USA)માં વ્યવસાય અને રાજનીતિમાં ડંકો વગાડનાર ચરોતરના NRI આજે નવી પેઢીને પણ વિદેશ તરફ આકર્ષી રહ્યાં છે તેની સમજ આણંદ(Anand)માંથી છેલ્લા 7 મહિનામાં 4080 જેટલા ઇસ્યુ થયેલ ઇન્ટરનેશનલ લાયસન્સ(International License)થી આવે છે.
2018 થી દર વર્ષે સરેરાશ 450 ઇન્ટરનેશનલ લાયસન્સ નીકળતા હતા
એનઆરઆઇ(NRI)નું હબ ગણતાં આણંદ જિલ્લામાં 2018 થી દર વર્ષે સરેરાશ 450 ઇન્ટરનેશનલ લાયસન્સ નીકળતા હતા. હાલમાં વિદેશમાં અભ્યાસ કરવાનો ક્રેઝ વધ્યો છે. ત્યારે ચાલુ વર્ષના 7 મહિનામાં 4080 ઇન્ટરનેશનલ લાયસન્સ ઇશ્યુ કરાયા છે. રાજ્યમાં એક માત્ર આણંદ શહેર એવુ છે જયાં રોજ સરેરાશ 15 ઇન્ટરનેશનલ લાયસન્સ નીકળે છે.
આણંદમાંથી 80 હજારથી વધુ પરિવારો વિદેશમાં સ્થાયી થયા
અમેરિકાના ન્યુજર્સી(New Jersey)માં રહેતા સફળ વ્યવસાયી મિહિર બ્રહ્મભટ્ટે નેશન ફર્સ્ટ ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,” આણંદ જિલ્લામાંથી 80 હજારથી વધુ પરિવારો વિદેશમાં સ્થાયી થયા છે. જ્યારે દર વર્ષે 6 હજારથી વધુ લોકો જુદા જુદા દેશમાં જાય છે. જેમાં વિદેશમાં અભ્યાસ અર્થે અને વર્ક પરમીટ પર નોકરી ધંધા કરવા માટે 4 હજારથી વધુ લોકો જાય છે. હાલમાં વિદેશ જતાં વિદ્યાર્થીઓને પાર્ટ ટાઇમ નોકરી મળે છે. તે ડિલીવરી બોય તરીકે નોકરી કરે છે. જેથી તેઓ ફરજીયાત ડ્રાઈવિંગ લાયસન્સ માગે છે.”
વિદ્યાર્થીઓને ત્યાંનું લાયસન્સ મેળવવામાં સરળતા રહે છે
સ્ટડી વિઝા પર કેનડા ગયેલ શિવ રાવલે નેશન ફર્સ્ટ ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ભારતમાંથી ઇન્ટરનેશનલ લાયસન્સ લઇને જતાં વિદ્યાર્થીઓને ત્યાંનું લાયસન્સ મેળવવામાં સરળતા રહે તેથી લોકો અહીંથી ઇન્ટરનેશનલ લાયસન્સ લઇને જતાં હોય છે. તેના કારણે છેલ્લા એક વર્ષથી ઇન્ટરનેશનલ લાઇસન્સ કઢાવવામાં 10 ગણો વધારો થયો છે.”
6 વર્ષમાં અપાયેલા ઇન્ટરનેશનલ લાઇસન્સની સંખ્યા
વર્ષ સંખ્યા
2018 430
2019 350
2020 0
2021 0
2022 3780
2023 4080
હાલમાં માસિક 510 જેટલા લાયસન્સ નીકળે છે
રાજ્યની આરટીઓ કચેરીમાં આણંદ આરટીઓ કચેરી ઇન્ટરનેશનલ લાયસન્સ કાઢવામાં સૌથી અગ્રેસર છે. 2018માં વર્ષે 450 નીકળતા હતાં, તે હાલમાં માસિક 510 જેટલા લાયસન્સ નીકળે છે. છેલ્લાં 7 માસમાં 4080 થી વધુ ઇન્ટરનેશનલ લાયસન્સ નીકળ્યાં છે.
ઇન્ટરનેશનલ લાયસન્સ કઢાવવા માટે દૈનિક સરેરાશ 15 લોકો આવે છે
આણંદ આરટીઓ કચેરીમાં લાયસન્સ સહિત પ્રક્રિયામાં ભારે ધસારો રહે છે. જેમાં વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થી અને યુવક- યુવતીઓ પણ ઇન્ટર નેશનલ લાયસન્સ કઢાવવા માટે દૈનિક સરેરાશ 15 લોકો આવે છે. ખાસ કરીને વર્કપરમીટ કે નોકરી કરવા માટે લંડન, દુબઇ સહિતના દેશોમાં જતાં લોકો વધુ ઇન્ટરનેશનલ લાયસન્સ કઢાવે છે.
સૌથી વધુ એપ્રિલ મે અને નવેમ્બર ડિસેમ્બરમાં લાયસન્સ નીકળે છે
આણંદના એઆરટીઓ એન.વી. પરમારે નેશન ફર્સ્ટ ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “રાજ્યની તમામ આરટીઓ કચેરી કરતાં આણંદ જિલ્લાની આરટીઓ કચેરીમાં છેલ્લા 7 માસમાં 4080 ઇન્ટરનેશનલ લાયસન્સ નીકળ્યાં છે. જેમાં સૌથી વધુ એપ્રિલ મે અને નવેમ્બર ડિસેમ્બરમાં નીકળે છે. હાલમાં દૈનિક 15થી વધુ ઇન્ટરનેશનલ લાયસન્સ નીકળે છે”
ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ ડ્રાઈવીંગ પરમિટ એ ભારતીય નાગરિકોને વિદેશમાં વાહન ચલાવવા માટે આપવામાં આવતુ ડ્રાઈવિંગ લાયસન્સ છે. જે વિદ્યાર્થીઓ, વેપારીઓ, વ્યવસાયકારો અને મુલાકાતીઓ વિદેશ જતા હોય અને ત્યાં વાહન ચલાવવા માગતા હોય તેમને તેની જરૂર પડે છે. આંતરરાષ્ટ્રીય વાહન ચલાવવાનો પરવાનો તેમને વિદેશમાં વાહન હંકારવાની છૂટ આપે છે.