- કૃષ્ણનગરમાં સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનારને 20 વર્ષની કેદ
- કોર્ટે ભોગબનનારને 1 લાખ રૂપિયા વળતર પેટે ચુકવી આપવા આદેશ કર્યો
- આખોય કેસ નિઃશંકા પણે પુરવાર થાય છે, દયા ન દાખવી શકાય-પોક્સો કોર્ટ
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાંથી વર્ષ 2022માં સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને સ્પે. પોક્સો કોર્ટના જજ પી.એમ.સાયાણીએ 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત આરોપી જે દંડની રકમ ભરે તેમાંથી ભોગબનનારને એક લાખ રૂપિયા વળતર પેટે ચુકવી આપવા કોર્ટે નિર્દેષ આપ્યો છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આવા કિસ્સા વધી રહ્યાં છે, આખોય કેસ નિઃશંકા પણે પુરાવાર થાય છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય સજા કરવી અનિવાર્ય છે. નોંધનીય છે કે આ અગાઉ પણ કૃષ્ણનગર પોલીસે પોક્સોના કેસમા પાંચ આરોપીઓને સજા અપાવીને અમદાવાદમાં ઇતિહાસ રચ્યો છે.
વિગતો એવી છે કે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો વિશાલ દેવદાસભાઇ બાવા(બાંમણીયા)ને તેના જ વિસ્તારમાં રહેતી 17 વર્ષિય સગીરા સાથે પ્રેમ થઇ ગયો હતો. ત્યારબાદ 10 ફેબ્રુઆરી 2022ના રોજ વિશાલ સગીરાને લગ્નની લાચચ આપી અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ ખુલ્લા ખેતરમાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે સગીરાના પરિવારે કૃષ્ણનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 23 મેના રોજ ધરપકડ વિશાલની ધરપકડ કરી તેને જેલમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ આરોપી સામે પોલીસ ઇન્સ્પેક્ટ એ.જે.ચૌહાણે ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, ગંભીર પ્રકારનો કેસ છે, આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે, આરોપીએ અપહરણ કર્યું તે પહેલાં પણ બળાત્કાર ગુજાર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, દસ્તાવેજી પુરાવા જોતા બળાત્કાર થયો હોવાનું જણાઇ આવે છે. આ પ્રકારના કિસ્સા સમાજમાં વધી રહ્યાં છે. ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને 20 વર્ષ સખ્ત કેદની સજા કરી જેલના હવાલે મોકલી આપ્યો છે.
પોક્સોના કેસમાં છઠ્ઠી સજા સાથે કૃષ્ણનગર પોલીસે અમદાવાદમાં ઇતિહાસ રચ્યો
અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશને પોક્સોના કેસમાં આરોપીને 20 વર્ષની સજા કરાવી છે.. આ અગાઉ પણ ખૂબ જ ટૂંકા ગાળામાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના બાહોશ પીઆઇ અમરસિંહ ચૌહાણે પોક્સોના કેસમાં આરોપીઓને મોટી સજા કરાવી ચૂક્યા છે. આ ઉપરાંત ગુનાના ડિટેકશનમાં પણ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હંમેશા મોખરે રહ્યું છે..