તાજેતરના ભેજવાળા વાતાવરણના કારણે શહેરમાં ઠેર-ઠેર કન્જક્ટિવાઇટિસના કેસ જોવા મળી રહ્યા છે. અમદાવાદ સહિત રાજયભરમાં નાનાથી લઈને મોટા સુધીના લોકો આ રોગનો ભોગ બની રહ્યા છે. હાલ આંખોમાં ઇન્ફેકશન થવાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. આ સાથેજ આંખમાં ઇન્ફેકશન થવાના કેસમાં વધારો થતા દવાના વેચાણમાં પણ 60 ટકાનો વધારો જોવા મળ્યો છે. આંખમાં ઇન્ફેકશન થતા દવાના વેચાણમાં સૌથી વધુ આઈડ્રોપની માંગમાં ખાસ્સો ઉછાળો જોવા મળ્યો છે.
અમદાવાદમાં 25 હજાર જેટલા આંખના ઇન્ફેકશનનાં દર્દીઓ નોંધાયા
અમદાવાદમાં સતત ભેજયુક્ત વાતાવરણના કારણે આંખના રોગ કન્જક્ટિવાઇટિસના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સરકારી દવાખાના અને ખાનગી દવાખાનામાં લોકો આંખોની તકલીફની ફરિયાદો લઈને આવી રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદમાં 25 હજાર જેટલા આંખના ઇન્ફેકશનનાં દર્દીઓ નોંધાયા છે. આ રોગની સાથે જેન્ટામાયસીન આઈ ડ્રોપ, સિપ્રોફ્લોક્શસિંન આઈડ્રોપ, મોકસીફ્લોઝાસિંન આઈ ડ્રોપ,ગેટી ફ્લોક્શસીન આઈડ્રોપ, ઓફ્લોકાસીન આઈડ્રોપમાં માંગ વધી છે. આ સાથે જ સેટેરેઝીન ટેબ્લેટ,એવિલ ટેબ્લેટ જેવી દવાનાં વેચાણમાં વધારો થયો છે. જો કે દવાના વેચાણમાં વધારો થતાં ડોક્ટરની સલાહ વિના આઈડ્રોપ કે કોઈ દવા ન લેવા માટે સૂચન પણ આપવામાં આવી રહ્યા છે.
ડોક્ટરની સલાહ વિના આઈડ્રોપ કે કોઈ દવા ન લેવી
અત્યારની પરિસ્થિતિ જોઈને કેમિસ્ટ એસોસેશનએ લોકોને કહ્યું કે ડોકટરની સલાહ વગર આઈ ડ્રોપ કે મેડિસન ન લેવી જોઈએ. આ સાથે જ દવાની સંગ્રહખોરી ન કરતા જરૂર પડે એવા જ આઇ ડ્રોપ લેવાની પણ અપીલ કરી છે
કન્જક્ટિવાઇટિસના લક્ષણો
કન્જક્ટિવાઇટિસ’થી પીડિત વ્યક્તિની આંખોનો સફેદ ભાગ સંપૂર્ણપણે ગુલાબી અને લાલ થઈ જાય છે. આંખોમાં ખંજવાળ આવે છે અને દુખાવો થાય છે. સતત પાણી નીકળ્યા કરે છે. વારંવાર ધુંધળુ દેખાય છે. આંખો સોજી જાય છે. આ બિમારીના કારણે આંખોની રોશની પર ખરાબ અસર થતી નથી. થોડા સમય માટે ધુંધળુ દેખાવા લાગે છે. આંખમાંથી પાણી પડવું, આંખ લાલ થવી, આંખમાં ચીપડા વળવા, આંખમાં દુખાવો અને પાંપણ પર સોજો આવે તેમજ યોગ્ય સારવારના અભાવે આંખની કીકી પર ચાંદી કે સોજો આવી જતાં દૃષ્ટિને નુકસાન થાય છે.
આ બિમારીથી કેવી રીતે બચવું?
– સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું
– વારંવાર હાથ ધોવો
– આંખોને વારંવાર અડકવું નહીં
– ટુવાલ, બેડ અને રૂમાલ શેર કરવો નહીં
– કોન્ટેક્સ લેંસને ટાળો
– ડૉકટરની સલાહ વગર દવા ના લેવી
– પબ્લિક સ્વિમિંગ પૂલનો ઉપયોગ ના કરવો
– સંક્રમિત વ્યક્તિથી દૂર રહો
– સંક્રમિત વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ ના કરવો
વરસાદમાં કપડાંમાં બેક્ટેરિયા મરી જાય તેવા લિક્વિડનો ઉપયોગ કરવો, ઘરમાં સૂકવેલાં કપડાં સંપૂર્ણ સુકાય તેની કાળજી રાખવી, દર્દીનાં કપડાં અલગ ધોવાં અને અલગ જગ્યાએ મૂકવાં, નિયમિત દવા નાખવી, આંખને વધુ અડકવું નહિ, નિયમિત દવાથી ત્રણ દિવસમાં રોગ કંટ્રોલમાં આવે અને અઠવાડિયામાં મટી શકે છે.
આઈ ફ્લૂના લક્ષણ
આંખ લાલ થઈ જવી
આંખમાંથી સતત પાણી નીકળવું
આંખમાં ખંજવાળ અને દુખાવો થવો
આંખમાં સફેદ ચીકણું પ્રવાહી બનવું
આંખ સોજી જવી
કેવી રીતે ફેલાય છે આંખનું ઇન્ફેક્શન
ડોક્ટરોના જણાવ્યા અનુસાર આંખનું ઇન્ફેક્શન એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી ફેલાય છે. જે વ્યક્તિને આંખ આવી હોય તેની આંખમાં આંખ મિલાવવાથી પણ આ બીમારી થઈ શકે છે. પહેલા આ સમસ્યા એક આંખમાં થાય છે અને પછી બીજી આંખમાં પણ થઈ જાય છે. જે વ્યક્તિને આંખ આવી હોય તે વ્યક્તિના રૂમાલ રૂવાલ કે કપડા નો ઉપયોગ કરવાથી પણ આ સમસ્યા બીજી વ્યક્તિને થઈ શકે છે.
આંખ આવે તો આ સાવધાની રાખો
– જો કોઈ વ્યક્તિને આંખ આવે તો તેણે વારંવાર આંખને અડવું જોઈએ નહીં. સાથે જ વ્યક્તિએ કાળા ચશ્મા પહેરવા જેથી અન્ય વ્યક્તિ સુધી આ બીમારી ન ફેલાય.
– આંખની સફાઈ કરવા માટે ખરાબ કપડાનો ઉપયોગ ન કરવો. આંખ આવી હોય તે વ્યક્તિએ ટીવી કે મોબાઈલ નો ઉપયોગ ટાળવો.
– જો આંખને સાફ કરો તો પછી હાથ સાબુથી ધોવાનું રાખો. આંખને સાફ કરવામાં હૂંફાળા પાણીનો ઉપયોગ કરો.
– જે વ્યક્તિને આંખ આવી હોય તે વ્યક્તિ સાથે આઈ ટુ આઈ કોન્ટેક્ટ ન બનાવો.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર આમ તો આંખ આવવી એ ગંભીર સમસ્યા નથી. પરંતુ જો બેદરકારી રાખવામાં આવે તો તેના કારણે આંખને ગંભીર નુકસાન થઈ શકે છે. આંખ આવી હોય ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો અંધાપો પણ આવી શકે છે. આંખ આવે એટલે એક થી બે અઠવાડિયામાં તે મટી જાય છે પરંતુ તે સમય દરમિયાન ડોક્ટર નો સંપર્ક કરીને યોગ્ય સારવાર કરાવવી.
ઘરેલુ ઉપચારઃ
આંખ આવે તો તમારે લાંબો સમય સુધી હેરાન થવાની જરૂર નથી. કેટલાંક સરળ ઘરેલુ ઉપચાર એવા છે જેનાથી તમને આ તકલીફમાં તરત જ રાહત મળશે. જાણો આવા સરળ ઘરેલુ ઉપચાર વિષે.
મીઠાના પાણીથી આંખ ધૂઓઃ
મીઠામાં એન્ટિસેપ્ટિક તત્વો રહેલા હોય છે. આથી આંખ આવી હોય તો મીઠાનું પાણી ખૂબ જ મદદરૂપ પુરવાર થાય છે. એક કપ ઉકળતા પાણીમાં એક મોટી ચમચી મીઠુ ઉમેરો. પાણીમાં મીઠુ સંપૂર્ણ રીતે ઓગળી જવા દો. પાણીને ઠંડુ થવા દો. દિવસમાં અનેકવાર આ પાણીથી આંખો ધોવાથી રાહત મળશે.
દૂધઃ
દૂધ પણ આંખને ઠંડક આપે છે. ઠંડા દૂધમાં થોડુ રૂ બોળીને તેને આંખના પોપચા પર મમૂકી દો. આ કારણે તમને રાહત મળશે. તમે હૂંફાળા દૂધથી આંખ પણ ધોઈ શકો છો. જો તમે હૂંફાળા દૂધથી આંખ ધોવા માંગતા હોવ તો ખાસ ધ્યાન રાખો કે દૂધ બિલકુલ પણ ત્વચાને દાઝે તેવુ ન હોય.
મધઃ
સદીઓથી મધ એન્ટિબેક્ટેરિયલ તરીકે અને એન્ટિબાયોટિક તરીકે વપરાય છે. બે કપ પાણીમાં ત્રણ મોટી ચમચી મધ ઉમેરો. આ મિશ્રણને ઉકાળો અને એકદમ ઠંડુ થવા દો. ત્યાર પછી આ મિશ્રણથી તમારી આંખો સાફ કરો. તેને કારણે તમને આંખ આવવાથી થતા દુઃખાવામાં રાહત મળશે અને ઈન્ફેક્શન જલ્દી મટી જશે.
કાકડીઃ
આંખ આવી હોય ત્યારે રાહત મેળવવા માટે કાકડી એ સૌથી શ્રેષ્ઠ કુદરતી ઉપચાર છે. આંખ આવવાથી આંખમાં થતા ઈરિટેશન અને સોજાને કાકડી તરત જ દૂર કરે છે. કાકડીની બે સ્લાઈસ લઈને તેને બરફના ઠંડા પાણીમાં દસ મિનિટ સુધી રાખો. ત્યાર પછી આંખના બંધ પોપચા પર આ કાકડી મૂકો. આમ કરવાથી તમને દુઃખાવામાં તરત જ રાહત મળશે.નોંધઃ આ આર્ટિકલ રોગ અંગે સામાન્ય અને વ્યાપક માહિતી જ પૂરી પાડે છે. વધુ જાણકારી માટે તમારા ડોક્ટરનો સંપર્ક કરો. આ માહિતી માટે અમારી વેબસાઈટ જવાબદાર નથી.