પ્રધાનમંત્રી આવાસ યોજનાના આદિજાતિ લાભાર્થી બહેનના ઘરે તાપી જિલ્લાના અસ્સલ આદિવાસી જમણનો સ્વાદ માણતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રીને ભોજનમાં મિલેટસની વાનગીઓ પીરસવામાં આવી
ભોજન એટલુ સ્વાદિષ્ટ હતું કે, પેટ ભરાયું પણ મન ન ભરાયું. બહેનોએ ખુબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. આવા જમણ માટે તો મારે હંમેશા તાપીમાં જ આવવું પડશે- ભૂપેન્દ્ર પટેલ
વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અને “મારી માટી મારો દેશ” અભિયાનમાં સહભાગી થવા વનબંધુ વિસ્તાર તાપી જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગવી સરળતા, સહજ મૃદુ સ્વભાવની અનુભૂતિ આદિજાતિ પરિવારોને થઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમ પૂર્ણ કરી બપોરનું ભોજન લેવા સોનગઢ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આદિજાતિ મહિલા લાભાર્થી સોનલ બહેન પવારનાં ઘરે ગયા હતા.
મુખ્યમંત્રીએ સોનલ બહેનના નિવાસે જમીન પર બેસીને તાપી જિલ્લાના અસ્સલ આદિવાસી ભોજનનો આ સ્વાદ માણ્યો હતો. સોનલ બહેને મુખ્યમંત્રી માટે આદિજાતિ ભોજન થાળીમાં જાડાધાન મિલેટ્સની વનગીઓ ભાવથી પિરસી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ આદિવાસી ભોજનની પ્રશંસા કરતાં કહ્યું કે, સ્વાદિષ્ટ ભોજનથી પેટ ભરાઈ ગયું પણ મન ભરાયું નથી. આવા અતિ સ્વાદિષ્ટ અને જાડાધાનની વાનગીઓ વાળા જમણનો સ્વાદ માણવા હંમેશા તાપી આવવું પડશે એવો અહોભાવ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ આદિજાતિ લાભાર્થી સોનલ બહેને PMAYમાં મળેલા આવાસને પોતાની બચતમાંથી સજાવ્યું છે તે અંગેની વિગતો પણ સોનલ બહેન અને પરિવારજનો સાથેની વાતચીતથી જાણી હતી.
મુખ્યમંત્રીએ ભોજનમાં નાગલીનો રોટલો, ચોખાના બાફેલા રોટલા, જુવારનો રોટલો, દેશી કંકોડાનું શાક, દેશી તુવેરની દાળ, અડદની છોડાવાળી દાળ અને તાપી જિલ્લાના પ્રખ્યાત દેશી લાલ ચોખાનો ભાત, નાગલીનાં પાપડ, છાશ અને શેકેલા લીલા મરચાં આરોગ્યા હતા.
મુખ્યમંત્રીની આવી નિખાલસતા, મૃદુતા અને આદિજાતિ પરિવાર સાથે જમીન પર બેસીને ભોજન લેવાની સરળતા સૌને સ્પર્શી ગઈ હતી.