સરદાર વલ્લભભાઈ વાણિજ્ય મહાવિદ્યાલય એન એસ એસ યુનિટ દ્વારા ગ્રામજન જાગૃતિ શિબિરનું અનોખું આયોજન ૩થી 9 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામ ખાતે કરવામાં આવ્યું હતું.
વિગતવાર માહિતી એવી છે કે અમદાવાદના રીલીફ રોડ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ વાણિજ્ય મહાવિદ્યાલયના એન એસ એસ યુનિટ દ્વારા અને રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામે આવેલી પ્રાથમિક શાળામાં ૩ થી 9 જાન્યુઆરી દરમિયાન ગ્રામજન જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જાગૃતિ શિબિર દરમિયાન એનએસએસ યુનિટ દ્વારા ગ્રામ સ્વચ્છતા, વ્યસનમુક્તિ અભિયાન, સાયબર સેફટી, બેટી બચાવો બેટી પઢાવો, પર્યાવરણ સુરક્ષા જેવા અનેક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને બાળકોમાં પણ સાયબર અવેરનેસ તેમજ ગામ સ્વચ્છતા સહિતના ઉમદા સંસ્કાર મળે તે માટે જુદી જુદી રમતો રમાડવામાં આવી હતી જેમાં 680 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રમતમાં ભાગ લેનાર વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
સાત દિવસ ચાલેલા આ જાગૃતિ અભિયાનમાં એનએસએસ યુનિટના 53 જેટલા સ્વયંસેવકોએ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર રમેશસિંહ એમ ચૌહાણ અને ડોક્ટર મિતેશ શાહના સુપરવિઝનમાં ઉમદા સેવા કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના કાઉન્સિલર ગીતાબેન પટેલ, અતિથિ વિશેષ તરીકે મહેશસિંહ કુશ્વાહ, પ્રિન્સિપલ સુરેશભાઈ પટેલ, પ્રિન્સિપલ હિતેન્દ્ર વ્યાસ અને પ્રિન્સિપલ રૂપલબેન પટેલ હાજર રહ્યા હતા