હા તમે બિલકુલ સાચું જ વાંચી રહ્યા છો. અમદાવાદના ઝોન-4 વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓએ કંઈક એવી કામગીરી કરી છે કે તે જાણીને ખુદ તમે પણ કહેશો કે વાહ શું વાત છે.. વાત જાણે એમ છે કે ઝોન-4માં આવેલા શાહીબાગ, મેઘાણીનગર, અને એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમયાંતરે ચોરી કે ગુમ થયેલા મોબાઈલ ફોન અને સાયબર ક્રાઇમનો ભોગ બનેલા તેમના મોબાઈલ કે રોકડ નાણા તેરા તુજકો અર્પણ અભિયાન દ્વારા મૂળ માલિકોને 46 મોબાઈલ અને સાઇબર ક્રાઇમમાં ભોગ બનેલા લોકોને 25 લાખથી પણ વધુની રોકડ રકમ પરત કરવામાં આવી છે.
વિગતો એવી છે કે ઝોન-4માં આવેલા શાહીબાગ, મેઘાણીનગર, અને એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમયાંતરે 46 જેટલા લોકોના મોંઘાદાટ મોબાઈલ ફોન ચોરી થયા હતા અથવા કેટલાક કેસોમાં મોબાઈલ ગુમ થઈ ગયા હતા. જે તે સમયે આ મોબાઈલના માલિકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી.
આ ઉપરાંત આ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લોકો સાથે ઓનલાઇન ફ્રોડ કરતી ગેંગોએ લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી. જેથી આ અંગેની ફરિયાદો પણ આ ત્રણેય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી. મોબાઈલ ચોરી અને સાયબર ઠગાઈમાં ભોગ બનેલાઓ ને ત્વરિત ન્યાય મળે અને ફરિયાદીઓને તેમના કિંમતી ફોન અને ઠગાઈમાં ગયેલા નાણા પરત મળી તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે ઝોન-4 ડીસીપી કાનન દેસાઈને ખાસ સુચના આપી હતી.
ડીસીપી કાનન દેસાઈએ આ અંગે શાહિબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી.ઝાલા, મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી બી બસીયા અને સેકન્ડ પીઆઈ ડી.એસ.પટેલ અને એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે ખાંભલાને આગે ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સૂચનાને આધારે સૂચના પોલીસ અધિકારીઓએ ગુમ થયેલા કે ચોરી થયેલા 46 મોબાઈલ અને સાઇબર ઠગાઈમાં લોકોએ ગુમાવેલા 25 લાખથી પણ વધુ રોકડ રકમ રિકવર કરી હતી.
46 મોબાઈલ અને સાઇબર ઠગાઈમાં લોકોએ ગુમાવેલા 25 લાખથી પણ વધુની રોકડ રકમ મૂળ માલિકોને પરત કરવા માટે ઝોન-4 ડીસીપી કાનન દેસાઈ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત 46 મોબાઈલ ના મૂડ માલિકો અને તેમના મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે લોકોએ સાયબર ઠગાઈમાં પોતાની મહામુડી ગુમાવી હતી તેમને તેમની રકમ પણ પરત કરવામાં આવી હતી. પોલીસની આ ઉમદા કામગીરીની લોકોએ ખૂબ જ વખાણી હતી.