Story By:Dharmistha Parmar(Editor In Chief)
- અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ
- જગન્નાથ પુરી અને અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા યોજાય છે
- અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથજીનું 400 વર્ષથી વધુ જૂનું મંદિર
- જગન્નાથના મંદિરે માલપૂઆ અને ગાંઠિયાના પ્રસાદનો વિશેષ મહિમા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. રથયાત્રાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. નાથની નગરચર્યામાં લાખો લોકો જોડાશે. દેશમાં જગન્નાથ પુરી અને અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા યોજાય છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથજીનું 400 વર્ષથી વધુ જૂનું મંદિર આવેલું છે, ભગવાન જગન્નાથના મંદિરે માલપૂઆ અને ગાંઠિયાના પ્રસાદનો વિશેષ મહિમા છે. અહીં ભક્તોને એ જ પ્રસાદ આપવામાં આવે છે. તો આવો જાણીએ કે, ભગવાન જગન્નાથજીના મંદિરે શા માટે માત્ર માલપૂઆનો જ પ્રસાદ આપવામાં આવે છે ? અને કઈ રીતે કઈ રીતે આ પ્રસાદ તૈયાર થાય છે ?
દરરોજ સરેરાશ સાતથી આઠ મણ જેટલા લોટનો પ્રસાદ બને છે
આ અંગે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ નેશન વન ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષોથી ભગવાન જગન્નાથજીને બાલભોગમાં માલપૂઆનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ભગવાનને સૌથી વધુ માલપૂઆ પ્રિય છે. જગન્નાથપુરીમાં પણ આ જ પ્રસાદ ધરાવવામાં આવે છે અને અહીં જગન્નાથ મંદિરમાં પણ વર્ષોથી માલપૂઆનો પ્રસાદ લોકોને આપવામાં આવે છે. જગન્નાથ મંદિરમાં દરરોજ સરેરાશ સાતથી આઠ મણ જેટલા લોટનો પ્રસાદ બને છે. પરંતુ જ્યારે રથયાત્રા અથવા જન્માષ્ટમી જેવો તહેવાર હોય છે ત્યારે વિશેષ પ્રસાદ બનાવવામાં આવે છે.
માલપૂઆ બનાવવા માટે પહેલાં ઘઉનો લોટ અને ગોળનું મિશ્રણ કરવામાં આવે છે
ભગવાન જગન્નાથ મંદિરમાં નાના અને મોટા એમ બે પ્રકારના માલપૂવા બને છે. એક માલપૂવામાંથી ટૂકડા કરી નાના કરી દેવામાં આવે છે. જમાલપુર મંદિરમાં જ્યારે પણ ભંડારો યોજાતો હોય છે ત્યારે માલપૂઆ અચૂક આપવામાં આવે છે. માલપૂઆ બનાવવા માટે પહેલાં ઘઉનો લોટ અને ગોળનું મિશ્રણ કરવામાં આવે છે… લોટને એકદમ ઘટ્ટ બનાવવામાં આવે છે. ત્યારબાદ માલપૂવાને તળવામાં આવે છે. જ્યારે માલપૂઆનો રંગ એકદમ બ્રાઉન થઈ જાય ત્યારે તેને બહાર કાઢી લેવામાં આવે છે. આમ સ્વાદિષ્ટ માલપૂઆ તૈયાર થાય છે જે ભગવાન જગન્નાથના પ્રસાદી સ્વરૂપે મળતા વધુ સ્વાદિષ્ટ બને છે !