અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સોશિયલ મીડિયાના દુરુપયોગની એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. એક શખ્સ દ્વારા સમાજના વોટસઅપ ગ્રુપમાં અને વ્યક્તિગત રીતે અશ્લીલ ફોટા તેમજ મિત્રના મોર્ફ કરેલા બિભત્સ ફોટા મોકલી સમાજમાં બદનામ કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે ભોગ બનનાર યુવકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા અને માધુપુરામાં કોલ્ડ્રીંક્સનો વેપાર કરતા ૩૬ વર્ષીય દિલખુશ શર્માએ ફરિયાદ નોંધાવી છે. તેમના પિતા અસારવા સિવિલ હોસ્પિટલના ગેટ નંબર ૪ ની સામે આવેલ ‘શીખવાલ બ્રાહ્મણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ’ ના ૨૦૨૪ થી અધ્યક્ષ છે.

ટ્રસ્ટનું સેવા કાર્ય:
આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓ અને તેમના પરિવારજનોને નિ:શુલ્ક રહેવા તથા જમવાની સગવડ પૂરી પાડવાનો છે. આ માટે ‘અખીલ ભારતી સિખવાલ સમાજ જોધપુર સે સંચાલીત’ નામનું એક વોટસઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે.

ઘટનાનો ઘટનાક્રમ:
ગત ૮ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ આરોપી મુકેશ ઉપાધ્યાયે આ વોટસઅપ ગ્રુપમાં હિન્દીમાં મેસેજ કરીને ટ્રસ્ટના વહીવટ અને નાણાકીય બાબતો પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યારે ફરિયાદી દિલખુશભાઈએ વળતો મેસેજ કરી તેમની ઓળખ પૂછી, ત્યારે આરોપીએ બિભત્સ ભાષામાં મેસેજ કર્યા હતા.

ગંભીર છેડછાડ
ગત ૧૨ સપ્ટેમ્બરના રોજ આરોપીએ ફરિયાદીના પર્સનલ વોટસઅપ નંબર પર પોર્નગ્રાફીના અશ્લીલ ફોટા મોકલ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદીના મિત્ર મહેશ્વર સુખવાલનો ફોટો મોર્ફ કરી (એડિટ કરી) તેને અત્યંત બિભત્સ સ્વરૂપમાં બદલી નાખ્યો હતો.
બદનામીનું કાવતરું
આરોપીએ આ મોર્ફ કરેલા ફોટાની નીચે “Nishulk seva” (નિ:શુલ્ક સેવા) લખીને વોટસઅપ ગ્રુપના એડમિન્સ મહેન્દ્રભાઈ જોષી અને સોહનલાલ ઉપાધ્યાયને પણ પર્સનલ મેસેજમાં મોકલી આપ્યા હતા, જેથી ફરિયાદી અને તેમના મિત્રની સમાજમાં બદનામી થાય.

પોલીસ કાર્યવાહી
આ મામલે પહેલા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ શાહીબાગ પોલીસ મથકે મુકેશ ઉપાધ્યાય (રહે. ચાંદખેડા) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
શાહીબાગ પોલીસે આ મામલે IT એક્ટની કલમ ૬૬E, ૬૭-A (ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં બિભત્સ સામગ્રી ટ્રાન્સમિટ કરવી) અને BNS ની કલમ ૨૯૬(b) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટર મંજુબેન આરશીભાઈ આંબલીયા કરી રહ્યા છે.
