કુબેરનગરનો રીઢો ગુનેગાર વિભાંશુ ઉર્ફે વીની ગિરફ્તમાં: રૂ. 2.15 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ:
અમદાવાદ શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકની સૂચના હેઠળ એલ.સી.બી. ઝોન-4 ની ટીમે મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે એરપોર્ટ અને નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે.
કેવી રીતે ઝડપાયો આરોપી?
એલ.સી.બી. ઝોન-4 ના પી.એસ.આઈ. એસ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિતેષભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહને સંયુક્ત બાતમી મળી હતી કે અગાઉ અનેક ગુનાઓમાં પકડાયેલ રીઢો આરોપી વિભાંશુ ઉર્ફે વીની એરપોર્ટ વિસ્તારમાં ફરી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને વિભાંશુ ઉર્ફે વીની ચંદ્રાકાન્ત તમંચે (ઉં.વ. 22, રહે. કુબેરનગર) ને ઝડપી પાડ્યો હતો.
ઉકેલાયેલા ગુના અને મુદ્દામાલ:
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે છેલ્લા સાત દિવસમાં એરપોર્ટ અને નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની બે ઘટનાઓને અંજામ આપ્યો હતો. પોલીસ તેની પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
* સોનાની ચેઇન અને પેંડલ: કિંમત રૂ. 1,45,000/-
* એક્ટિવા (ગુનામાં વપરાયેલ): કિંમત રૂ. 65,000/-
* મોબાઇલ ફોન: કિંમત રૂ. 5,000/-
* કુલ મુદ્દામાલ: રૂ. 2,15,000/-
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:
પકડાયેલ આરોપી વિભાંશુ ઉર્ફે વીની રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અગાઉ સરદારનગર, એરપોર્ટ, કૃષ્ણનગર અને નિકોલ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગ અને ચોરીના કુલ 6 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આ કેસમાં અન્ય એક આરોપી તૃષભ ઉર્ફે રોમન હાલ વોન્ટેડ છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ ટીમ:
આ કામગીરીમાં પી.એસ.આઈ. એસ.એમ. પટેલ સાથે એ.એસ.આઈ. રવિન્દ્ર ગંગારામ, જયપાલસિંહ તથા એલ.સી.બી. ઝોન-4 ના અન્ય કર્મચારીઓ જોડાયા હતા.
